મૈસી ગ્રેટને ભાડાનું મકાન છોડી દીધું છે. તે પાડોશમાં રહેતા પરિવાર સાથે શિફ્ટ થઈ ગઈ છે. તેણે કોલેજ જવાનું બંધ કરી દીધું છે. ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરે છે. તે એકસાથે 3-3 નોકરીઓ કરી રહી છે. પહેલાં ગ્રોસરી સ્ટોર પર જાય છે ત્યાંથી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની. પછી રાતે પબમાં કામ કરે છે. તેમ છતાં તે સંતુષ્ટ નથી કે આજના બ્રિટનમાં પોતાનો ખર્ચ ઊપાડી શકશે. ફક્ત ગ્રેટનની જ આવી હાલત નથી.
યુનાઈટેડ કિંગ્ડમનના મધ્યમ વર્ગની હાલત મોંઘવારીને લીધે દયનીય થઈ ચૂકી છે. બચતનો અંત આવ્યો છે. કોરોના પછી બજારો ખૂલ્યાં તો મોંઘવારી અનેક ગણી વધી ગઈ પણ પગાર ન વધ્યો. વીજળીનું બિલ 20 ગણું વધ્યું, ઘરનું ભાડું 4 ગણું, જાહેર પરિવહન અઢીથી 3 ગણું મોંઘું થઈ ગયું. દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓ બમણાથી વધુ મોંઘી થઇ ગઈ છે.
સ્થિતિ એટલી ખરાબ છે કે ગત 1 વર્ષમાં 34 લાખ લોકોએ દેશ છોડી દીધો છે. એવો અંદાજ છે કે આગામી એક વર્ષમાં વધુ 45 લાખ લોકો દેશ છોડી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા ઓછા મોંઘા દેશોમાં જતા રહેશે. લોકો માર્ગો પર સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે.
બ્રિટનની નેશનલ હેલ્થ સિસ્ટમમાં નર્સોની અછત વર્તાઈ રહી છે. પગાર ઓછો હોવાને કારણે તે બીજા ઉદ્યોગોમાં જવા મજબૂર છે. પરિણામે 60 ટકા એવા દર્દી હોસ્પિટલોમાં રઝળી પડ્યા છે જેમને ડિસ્ચાર્જ કરી શકાય છે. એવી હરગ્રેવ્સ ઘરનું ભાડું ચૂકવી શકતી નથી એટલા માટે તે પોતાનાં માતા-પિતા પાસે જતી રહી છે.
અનેક સરકારી કર્મચારીઓએ પણ ઓફિસે આવવાનું બંધ કરી દીધું છે. તે ઘરેથી કામ કરી રહ્યા છે. રિઝોલ્યુશન ફાઉન્ડેશનના મુખ્ય અર્થશાસ્ત્રી સોફી હેલ કહે છે કે યુવા ક્ષોભજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પોતાનાં બિલ ભરી શકી રહ્યા નથી.
20થી 29 વર્ષના 70 ટકા યુવાઓ પાસે ફક્ત મહિનો ચાલે તેટલા જ ખર્ચ માટેના પૈસા બચ્યા છે. જોકે 65 વર્ષીય 20 ટકા લોકો એવા છે જે ફક્ત 1 મહિનાનો જ ખર્ચ ભોગવી શકશે. લિવિંગ વેજ ફાઉન્ડેશનના નિર્દેશક કેથરીન ચેપમેન કહે છે કે બ્રિટનના 60 ટકા યુવાનો હાલના સમયે ખૂબ જ ઓછા પગારે કામ કરી રહ્યા છે. બ્રિટનમાં મોંઘવારી છેલ્લાં 40 વર્ષના ટોચના સ્તરે છે. અમેરિકા અને કોઈ પણ યુરો ઝોન દેશની તુલનાએ મોંઘવારી બ્રિટનમાં સૌથી ઝડપી વધી છે.