સેન્સેક્સ અને નિફ્ટી વાર્ષિક સરેરાશ 12-15%ના દરે વધી શકે છે. છેલ્લા 5 વર્ષની તુલનાએ કેટલીક કંપનીઓનો ગ્રોથ વધુ પણ હોય શકે છે. પડકારજનક સ્થિતિમાં પણ આપણો વૃદ્ધિદર 8%થી ઉપર રહ્યો છે અને મૂડીઝ જેવી ગ્લોબલ એજન્સીઓએ પણ ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત બનશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જે માર્કેટ માટે ખૂબ સકારાત્મક પરિબળ છે. નિફ્ટી-50 ઇન્ડેક્સ નાણાકીય વર્ષ 2024-25માં 17%, 2025-26માં 11.6%, 2026-27માં 11.4%નું વાર્ષિક રિટર્ન આપી શકે છે. બજેટમાં મૂડીખર્ચનો હિસ્સો વધવાથી તેમજ પીએલઆઇ (પ્રોડક્શન લિન્કડ ઇન્સેન્ટિવ) સ્કીમથી પણ ભારતીય શેરમાર્કેટ મધ્યમથી લાંબા ગાળામાં આકર્ષક બનેલું રહી શકે છે. નિફ્ટી છેલ્લા પાંચ વર્ષમાં 105% રિટર્ન આપ્યું છે, જ્યારે આ દરમિયાન ડાઉ જોન્સે 48%, નાસ્ડેકે 110%, નિક્કેઇએ 79% અને હેંગસેંગે -44% રિટર્ન આપ્યું છે.
તમે જાણો છો કે બ્રિટન અને જાપાન જેવા મોટા અર્થતંત્ર મંદીની ચપેટમાં છે. ચીનની સ્થિતિ પણ ખૂબ પડકારજનક છે. આગામી વર્ષે પણ આ સ્થિતિ સુધરી તેવી આશા ઓછી છે. સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી તેની આશંકા વ્યક્ત કરી ચૂકી છે. અમેરિકા હજુ પણ સંપૂર્ણપણે રિકવર થઇ શક્યું નથી. દરમિયાન વિદેશી રોકાણકારોની પાસે ભારતીય માર્કેટ સિવાય અન્ય કોઇ વિકલ્પ બચ્યો નથી. જો કે, બ્રિટન અને જાપાનની માફક જો કોઇ અન્ય મોટા દેશમાં પણ મંદી આવે છે તો ગ્લોબલ માર્કેટની સાથે ભારતીય માર્કેટનું સેન્ટિમેન્ટ પણ પ્રભાવિત થઇ શકે છે. પરંતુ, સારી વાત એ છે કે ફેબ્રુઆરીથી વિદેશી રોકાણકારોએ અહીં ફરીથી ખરીદી શરૂ કરી છે. માર્ચમાં તેની ઝડપ વધી છે, જ્યારે માર્કેટ સર્વોચ્ચ સ્તરે છે. સામાન્ય ચૂંટણીમાં જો અત્યારની સરકાર પ્રચંડ જીત સાથે વાપસી કરશે તો ભારતીય ઇક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણ અત્યારની તુલનાએ બમણું થઇ શકે છે.