રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસની નજીક નોંધાઈ રહ્યું છે અને આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ તાપમાન ધરાવતા મથકોમાં રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. શુક્રવારે પણ રાજકોટ અને અમરેલી 40 ડિગ્રી સે. સાથે સૌથી વધારે ગરમ રહ્યા હતા. હવામાન વિભાગે ચાલુ સપ્તાહે હિટવેવની શક્યતાને પગલે 42 ડિગ્રી સેલ્શિયસ સુધી એટલે કે સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્શિયસ તાપમાન વધુ નોંધાય તેવી શક્યતા છે.
રાજ્યમાં કચ્છ અને પોરબંદરમાં હિટવેવની શક્યતા ગત સપ્તાહે કરાઈ હતી. જો કે એ આગાહી બાદ સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રમાં જ નોંધાયું છે અને આ અસરતળે રાજકોટ બે દિવસમાં આકરી ગરમીનો અનુભવ કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22થી 26 દરમિયાન હિટવેવની સ્થિતિ સર્જાશે. 24 તારીખ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ત્યારબાદ 41 અને સોમ-મંગળ દરમિયાન પારો 42 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી જશે. આ આગાહી મુજબ ધૂળેટીના દિવસે જ હિટવેવ સૌથી આકરી સ્થિતિએ હશે અને આ દરમિયાન જ લોકો રંગે રમતા હશે અથવા તો બહાર ફરવા નીકળ્યા હશે. રવિવારે હોલિકાદહન છે એટલે મોટાભાગના લોકોએ શનિવારથી જ રજાઓ મુકી દીધી હશે અને ફરવા જવા માટે આયોજન કર્યા હશે પણ આ જ દિવસોમાં આકરો ઉનાળો અનુભવાશે તેમજ લૂ લાગવાના બનાવ વધવાના હોવાથી તે બાબતની તકેદારી રાખવી પડશે.