MP લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ (MPLAD)ના ગુજરાતના 26 MPના હસ્તક 17 કરોડ લેખે 442 કરોડ રૂપિયા હતા. જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શકતા હતાં. પણ 26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી. તે પૈકી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે કુલ મળવાપાત્ર ફંડના માત્ર 49.77% થાય છે. આ રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)દ્વારા એનાલિસિસ કરીને જાહેર કરવામાં આપ્યો છે.
નોંધનીય બાબત એ છે, MPLAD ફંડ જે તે નાણાકીય વર્ષમાં જ વાપરવું જરૂરી હોતું નથી. પણ વણવપરાયેલું બીજા વર્ષમાં વાપરી શકાય છે. હવે ચૂંટણી જાહેર થવાથી ચૂંટણી પંચના સૂચનથી MPLAD વપરાશ પર રોક લગાવવામાં આવી છે.
કોરોના કાળમાં 1.5 વર્ષ યોજના ફ્રીઝ કરાઈ
2019થી 2024ની ટર્મની વાત કરીએ તો આ વખતે MPLAD ફંડમાં ઘટાડો થયો છે. કોવિડ કાળ દરમિયાન લગભગ 1.5 વર્ષના સમયગાળા માટે આ યોજના ફ્રીઝ કરવામાં આવી હતી. તેથી આ 5 વર્ષ માટે દરેક સાંસદ પાસે 25 કરોડના બદલામાં માત્ર 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.