અમેરિકાના ફ્લોરિડામાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. ગવર્નર રોન ડી સેન્ટિસે આ કાયદાને મંજૂરી આપી છે. આ આવતા વર્ષથી એટલે કે 2025થી અમલમાં આવશે. 'સ્કાય ન્યૂઝ'ના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
કાયદા અનુસાર, 14 થી 15 વર્ષની વયના બાળકો ફક્ત ત્યારે જ Instagram અને Snapchatનો ઉપયોગ કરી શકશે જો તેમના માતાપિતા લેખિત સંમતિ આપે. કંપનીઓને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
કાયદા અનુસાર, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વય વેરિફિકેશન પછી જ તેમના એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ કંપની 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ નહીં કરે તો તેણે સંબંધિત બાળકને 10 હજાર ડોલરનું વળતર ચૂકવવું પડશે. આ સિવાય કંપનીને 50 હજાર ડોલર સુધીનો દંડ પણ થઈ શકે છે.
ફ્લોરિડાની રાજ્ય સરકાર આવતા વર્ષે જાન્યુઆરીમાં આ કાયદો લાગુ કરશે. જો કે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદાના કેટલાક ભાગો યુએસ બંધારણનું ઉલ્લંઘન છે, તેથી તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.