આજે લાભ પાંચમના શુભ દિવસથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહી તે માટે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આજથી પ્રતિ 20 કિલો 1170 રૂપિયાના ટેકાના ભાવથી મગફળી ખરીદવામાં આવી રહી છે. ગુજસોમાર્સલના માધ્યમથી ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો સહિત રાજ્યમાં 160 કેન્દ્ર પરથી ખરીદ કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. આજે માત્ર બેથી ત્રણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા છે. ખેડૂતોની માગ છે કે એક મણનો ભાવ 1200થી 1300 રૂપિયા આપો.
કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આજે લાભ પાંચમના શુભ દિવસથી નક્કી કર્યા મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટના 11 સહિત રાજ્યના 160 કેન્દ્ર પરથી ગુજકોમાર્સલ મારફત મગફળી ખરીદી 1170 રૂપિયા પ્રતિ 20 કિલોના ટેકાના ભાવથી કરવામાં આવી રહી છે. જોકે, આજે ઓપન માર્કેટમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધુ એટલે કે 1200થી 1300 રૂપિયા સુધી અને A1 ગ્રેડ મગફળીના 1700 રૂપિયા સુધી પણ ભાવ મળી રહ્યા છે જે સારી વાત છે. પરંતુ જ્યારે ઓપન બજારમાં ભાવ ન મળે તે સમયે ટેકાના ભાવ 1170થી સરકાર ખરીદ કરે છે. જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન સર્જાય અને પૂરતા ભાવ મળી રહે માટે સરકાર મગફળી ટેકાના ભાવે ખરીદ કરી રહી છે.