હૃદયરોગ’ આ શબ્દ અગાઉ સામાન્ય ગણાતો પણ હવે કેન્સર કરતા આ રોગ જીવલેણ બની રહ્યો છે કારણકે કોરોના પહેલા હૃદયરોગથી પીડિત વ્યક્તિઓના મોતનો રેશિયો ઓછો હતો અને મોટાભાગે 60+ વ્યક્તિઓના જ હાર્ટ એટેકના કારણે મોત થતા હતા જોકે કોરોના પછી લોકોના વ્યક્તિગત જીવનમાં વધી રહેલો તણાવ,નાહકની ચિંતા,ઘટી રહેલી રોગપ્રતિકારક શક્તિ સહિતના કારણોસર શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે.
હૃદયરોગના હુમલાથી હવે યુવા વર્ગના લોકોના પણ મોત થઇ રહ્યા છે. એક અફવા એવી છે કે, કોરોનાની રસી લીધા બાદ આ અસર થઈ છે પણ સતાવાર વર્તુળો આ વાતને સમર્થન આપતા નથી તેઓએ હ્ર્દયરોગના વધેલા બનાવ પાછળ યુવા વર્ગ દ્વારા કરવામાં આવતી ખોટી ચિંતા, માનસિક તણાવને જવાબદાર ગણાવ્યા છે. ભાસ્કરે રાજ્યમાં હાર્ટ અેટેકથી મોતના આંકડા મેળવ્યા તો ચોંકાવનારા તથ્યો મળ્યા છે. 15 જેટલા જિલ્લાઓમાં વર્ષ 2022-23માં અધધ 19157 જેટલા લોકોના મોત થયા છે.
કોરોના અગાઉ વર્ષ 2018-19 અને વર્ષ 2019-20 માં કચ્છમાં હૃદયરોગના કારણે મોતનો વાર્ષિક આંક 92 અને 107 હતો. બાદમાં કોવિડની શરૂઆત થઈ અને બે વર્ષમાં લોકોએ ત્રણ લહેરનો સામનો કર્યો આ 2 વર્ષમાં કોવિડના કારણે જ કચ્છમાં બિનસતાવાર ધોરણે 10 હજાર મોતની ભીતિ છે જોકે સરકારી ચોપડે આંક 10 ટકા પણ માંડ બતાવવામાં આવ્યો છે. કોરોના પછી ગત નાણાકીય વર્ષમાં જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગે અહેવાલ તૈયાર કર્યો તેમાં ચોંકાવનારી વાત એ છે કે,હૃદયરોગના કારણે મોતનો જે આંક અગાઉ 100 ની આસપાસ હતો તે કોરોના પછી એકાએક વધીને 2556 થઈ ગયો છે જે ભયજનક વધારો સુચવે છે. નાણાંકીય વર્ષ 2022-23માં 2556 વ્યક્તિઓના હૃદયરોગથી મોત થતા ચિંતા વધુ ઘેરી બની છે.