ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે જેમને ઉમેદવાર જાહેર કર્યા છે તેમાં મોટાભાગના કોંગ્રેસના ‘આયાતી’ નેતાઓ છે. ગુજરાતમાં પાંચમાંથી ચાર ઉમેદવાર પૂર્વ કોંગ્રેસી છે જ્યારે હિમાચલ પ્રદેશમાં 6 પૂર્વ કોંગ્રેસીઓને ભાજપે ટિકિટ આપી છે.
રાજ્યમાં મોઢવાડિયા સહિતના રાજીનામું આપનારા ચારેય કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપે પેટાચૂંટણી માટે તેમની જ અગાઉની બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં છે. આ તમામે જ્યારે ધારાસભ્ય પદેથી કોંગ્રેસ છોડવા માટે ભાજપનો સંપર્ક કર્યો હતો તે જ વખતે તેમને ફરીથી ભાજપના ધારાસભ્ય બનાવવાનો વાયદો અપાયો હતો, તે પૂરો કરતાં ભાજપે તેમને પેટાચૂંટણી માટે ઉમેદવારી કરાવવાનું નક્કી કર્યું છે. આ બેઠકો પર પણ લોકસભા ચૂંટણી સાથે સાતમી મેના રોજ મતદાન થશે.
ભાજપે જાહેર કરેલી યાદીમાં એકમાત્ર વાઘોડિયા બેઠક પર ભૂતપૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તક મળી છે બાકીના ચારેય કોંગ્રેસી કૂળના નેતાઓ છે. હાલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસી કૂળને લઇને વિવાદ વકરી રહ્યો છે, તેવામાં ભાજપે આ નિર્ણય લીધો છે. આ તમામ ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 10 હજાર કે તેથી ઓછા મતે વિજેતા થયા હતા. જાહેર કરાયેલા આ ઉમેદવારો જો વિજેતા થશે તો તેમના પૈકી અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ મળી શકે છે. લોકસભા ચૂંટણી બાદ ચોમાસાની ઋતુમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે તેમાં તેમને તક મળશે. આ બેઠકો પર હજુ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી.