ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપેક પર વધી રહેલા હુમલાને પગલે પાકિસ્તાની સુરક્ષાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ચીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સોય ઝાટકીને કહ્યું હતું કે સુરક્ષા પૂરી પાડવામાં પાકિસ્તાની સેના અને સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ ગઈ છે.
હવે સીપેકસ્થિત બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાહ રાજ્યોમાં ચીન પોતાની રેડ આર્મી તૈનાત કરશે. ચીનના રાજદૂત જિયાંગ જાયડોંગે શાહબાઝને રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આ સંદેશો પહોંચતો કરી દીધો છે.
છેલ્લા 7 દિવસમાં બલુચ હુમલામાં ગ્વાદર પોર્ટ પર 3 ચીની અધિકારી ઘવાયા છે જ્યારે ખૈબરમાં કબાઇલી હુમલામાં 5 ચીની ઇજનેર માર્યા ગયા છે. પાકિસ્તાને પહેલાં પણ ચીની નાગરિકોને સુરક્ષા આપવાની ખાતરી આપ્યા છતાં હુમલા ન રોકાતાં ચીને નારાજગી દર્શાવી છે.
પોતાનું જાસૂસી નેટવર્ક, ચીન સશસ્ત્ર સૈનિકો તૈનાત કરશે
સુરક્ષા જાણકારોના કહેવા પ્રમાણે બલુચિસ્તાન અને ખૈબરમાં ચીનના સીપેક પ્રોજેક્ટ પ્રત્યે સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ છે. બલુચ લિબરેશન આર્મી અને ખૈબરમાં કબાઇલી હુમલા વિરુદ્ધ ચીન સશસ્ત્ર જવાનોની તૈનાતીની સાથેસાથે જાસૂસી નેટવર્ક પણ તૈયાર કરશે. તેમાં સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવાશે. ચીન સરકારે અલાયદું ભંડોળ આપવાની પણ વાત કરી છે. ખૈબરમાં પાકિસ્તાનની સેનાએ રોડ ઓપનિંગ ટીમ મોકલી ન હોવાથી કબાઇલીઓ હુમલો કરવામાં સફળ રહ્યા હોવાનું ચીનનું માનવું છે.