તમારો ફોન જ નહીં, તમારું ટીવી અને ઘરનું દરેક સ્માર્ટ ડિવાઇસ તમને સાંભળી તો શકે છે, સાથેસાથે તમારી વિચારસરણી, ઇચ્છાઓ અને વ્યવહારોને પણ રેકોર્ડ કરે છે. અમેરિકન ફર્મ 404 મીડિયાના અહેવાલમાં દાવો કરાયો છે કે જ્યારે જ્યારે તમે કોઈ એપ ડાઉનલોડ કરો ત્યારે તમે એને તમારી વાતચીત રેકોર્ડ કરવાની પરવાનગી આપો છો.
વાસ્તવમાં તમે એ આખો એગ્રીમેન્ટ વાંચ્યા વિના, ઓકે કરી દો છો. એપને વાતચીત રેકોર્ડ કરવાની મંજૂરી આપી દીધી છે, એ પણ નથી જોતા. વાસ્તવમાં આ એપ એક્ટિવ લિસનિંગ એઆઇ ટૅક્્નૉલોજીનો ઉપયોગ કરીને ફોનના માઇક્રોફોન થકી તમારી બધી જ વાતો સાંભળે છે. એટલે સુધી કે ગૂગલ અને ફેસબુક જેવી મોટી ટૅક્ કંપનીઓ પણ આવું જ કરે છે.
વાતચીતનો સૌથી વધુ ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. એક્ટિવ લિસનિંગ ટૅક્્નૉલોજી થકી સ્માર્ટ ફોન કે અન્ય કોઈ પણ સ્માર્ટ ડિવાઇસમાં રેકોર્ડ થયેલી રિયલ ટાઇમ વાતચીતને તેની સર્ચ હિસ્ટ્રીથી એઆઇ થકી મેચ કરવામાં આવે છે. ત્યાર પછી સંભવિત ગ્રાહકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવી જ જાહેરાતો મોકલાય છે. આ જ કારણે કોઈ બાબતનું સર્ચ કર્યા વિના પણ તેના વિશે વાત કરવા માત્રથી જ તેની જાહેરાતો તમારા ફોન પર આવવા લાગે છે.