રાજકોટના પદ્માવતી જ્વેલર્સના માલિક પાસેથી વડોદરાના મહાલક્ષ્મી જ્વેલર્સના મહિલા પ્રોપરાઇટરે ચાંદીના દાગીનાની ખરીદી કર્યા બાદ બિલ પેટે આપેલો ચેક રિટર્ન થતા કરાયેલા કેસમાં અદાલતે એક વર્ષની કેદનો હુકમ કર્યો છે.
રાજકોટના પદ્માવતી જ્વેલર્સના પ્રોપરાઇટર હર્ષદકુમાર તારાચંદ શાહ અને વડોદરાના મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપરાઇટર ગીતાબેન બાલકૃષ્ણભાઈ સોની અવારનવાર ચાંદીના દાગીનાનો વેપાર કરતાં હતા. જેના આખરી હિસાબ પેટે આરોપી ગીતાબેન બાલકૃષ્ણભાઈ સોનીએ કુલ રૂપિયા 5,51,000 પૂરા આપવાના હતા. જે રકમની હર્ષદકુમાર શાહે અવારનવાર ઉઘરાણી કરતા ગીતાબેન સોનીએ થોડા સમય બાદ આપવાનું કહ્યું હતું. આ રકમની હર્ષદકુમાર શાહે ઉઘરાણી ચાલુ રાખતા ગીતાબેન સોનીએ ચેક આપ્યો હતો. જે ચેક હર્ષદકુમારે તા. 22-03-2022ના રોજ આઇસીઆઇસીઆઇ બેન્ક રાજકોટના પોતાના ખાતામાં જમા કરાવ્યો હતો, પરંતુ આ ચેક તા. 22-03-2022ના રોજ “account closed” ના શેરા સાથે પરત ફર્યો હતો. આથી હર્ષદકુમાર તારાચંદ શાહ દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ અદાલતમાં પોતાના વકીલ પીયૂષ શાહ, હર્ષિલ શાહ મારફત ગીતાબેન સોની સામે ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતા કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો તથા આરોપી મળી આવ્યેથી એક માસમાં ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે.