20 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પુંછમાં સેનાની ટ્રક પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. NSG અને NIAની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. રવિવારે આ ઘટનાની માહિતી સામે આવી છે. ન્યૂઝ એજન્સી અનુસાર આતંકવાદીઓએ ટ્રકમાં જઈ રહેલા સૈનિકો પર હુમલો કરવા માટે સ્ટીલ કોર બુલેટનો ઉપયોગ કર્યો હતો. આ ગોળીઓ બખ્તરબંધ કવચને ભેદવામાં સક્ષમ હતી.
ભાટા ધુરિયાનના ગીચ જંગલ વિસ્તારમાં એક સ્નાઈપરે ટ્રકને આગળથી નિશાન બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ અન્ય આતંકવાદીઓએ ગોળીબાર કર્યો અને ટ્રક પર ગ્રેનેડ ફેંક્યા. સૈનિકોને જવાબી કાર્યવાહી કરવાનો સમય ન મળ્યો.
સેનાની ટ્રકમાં ઈફ્તાર માટે ખાવાની વસ્તુઓ હતી. તેને લઈને નજીકના ગામમાં જતા હતા. આ જવાન આતંકવાદ વિરોધી કામગીરી માટે તહેનાત રાષ્ટ્રીય રાઈફલ્સના એક યુનિટના હતા. જણાવી દઈએ કે હુમલા બાદ આતંકીઓ જવાનોના હથિયારો લઈને ભાગી ગયા હતા.