પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પી.એમ.જી.કે.એ.વાય.) હેઠળ દેશભરના ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં એપ્રિલ-2023થી લઈને ઓગસ્ટ-2024 સુધીમાં 17 માસ દરમિયાન ગરીબોને 54,830 મેટ્રિક ટન ચોખા, 43,248 મેટ્રિક ટન ઘઉંનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (એન.એફ.એસ.એ.) હેઠળ રાજકોટ જિલ્લામાં કુલ 3,22,938 રેશનકાર્ડ નોંધાયેલા છે. જેમાં 13,15,623 નાગરિકનો સમાવેશ થયેલો છે.
રાજકોટ જિલ્લામાં એપ્રિલ 2023થી લઈને માર્ચ-2024 સુધીમાં 30,565 મેટ્રિક ટન ઘઉં, 37,393 મેટ્રિક ટન ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જ્યારે 761.42 મેટ્રિક ટન તુવેરદાળ ઉપરાંત 1,768 મેટ્રિક ટન ખાંડ, 2022 મેટ્રિક ટન મીઠું ઉપરાંત ખાદ્યતેલના 571 પાઉચનું વાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી લઈને ઓગસ્ટ સુધીમાં 12,683 મેટ્રિક ટન ઘઉં, 17,437 મેટ્રિક ટન ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જ્યારે 627 મેટ્રિક ટન ખાંડ, 529 મેટ્રિક ટન મીઠું તેમજ 278 લિટર ખાદ્યતેલના પાઉચનું વાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું છે.