બ્રિટનમાં નવા વિઝા નિયમોને કારણે ભારતીયોનું બ્રિટનમાં વસવાટ કરવાનું સપનું રોળાઈ ગયું છે. અત્યારે અહીં સ્કિલ્ડ વિઝા પર કામ કરી રહેલા લગભગ 8.50 લાખ ભારતીયમાંથી 2 લાખ જેટલા લોકોએ અન્ય દેશોમાં વસવાનો નિર્ણય કરી લીધો છે. ભાસ્કર સાથેની વાતચીતમાં કેટલાય લોકોએ હવે બ્રિટનથી અમેરિકા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડમાં નોકરી શોધવાની વાત કરી હતી.
માન્ચેસ્ટરની એક હોટલના આસિસ્ટન મૅનેજર પુનિત શર્માનું કહેવું છે કે સારું જીવન જીવવા માટે અહીં 15 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. એકાએક સરકારે નવો આદેશ કર્યો. શર્માનું કહેવું છે કે હોટલમાલિક 41 હજારનો પગાર નહીં કરે. સમગ્ર પરિવાર તણાવમાં છે. હવે નોકરી માટે બીજા દેશ જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. શર્માના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં દર 3 વર્ષે મિડ લેવલ જોબનો વિઝા રિન્યુ થઈ જતો હતો પરંતુ નવા નિયમ પછી તેમણે એજન્ટો થકી બીજા દેશોમાં જવાના પ્રયાસો શરૂ કર્યા છે.