રાજકોટમાં નશામાં ધૂત યુવકો ધમાલ કરતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. પરંતુ ગત રાત્રે યાજ્ઞિક રોડ પર છાસવાલા નામની દુકાને નશામાં ચૂર બે યુવતીઓએ ધમાલ મચાવી હતી. દુકાનદાર સાથે બેફામ વાણીવિલાસ કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડી ગઈ હતી. જો કે, આ પહેલાં બંને યુવતી ત્યાંથી નાસી છૂટી હતી. આજે વહેલી સવારે પોલીસે બંનેને ફનવર્લ્ડ પાસેના મેદાનમાંથી ઝડપી પાડી હતી. અને મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રે બે યુવતીઓએ નશાની હાલતમાં યાજ્ઞિક રોડ પર આવેલી છાસવાલા નામની દુકાનમાં કોઇ કારણોસર ધમાલ મચાવી હતી. બંને યુવતીઓ નશાની હાલતમાં હોવાનો અને સરખી રીતે ઉભી પણ રહી નહીં શકતી હોવાનો તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. જો કે, યુવતીઓ ત્યાંથી નાસી ગઈ હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી હતી. તેમજ વહેલી સવારે ફનવર્લ્ડ નજીકથી બંનેને ઝડપી પાડવામાં આવી હતી.