રશિયા-યુક્રેન યુદ્ધને શનિવારે બે વર્ષ પૂર્ણ થયાં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા પછી યુક્રેનના 40 લાખથી વધુ નાગરિકો દેશ છોડવા મજબૂર બન્યા હતા. બીજી તરફ 65 લાખથી વધુ યુક્રેનિયનો દેશની અંદર જ વિસ્થાપિત થઈને જીવન પસાર કરી રહ્યા છે. યુક્રેનના 10 હજાર નાગરિકોનાં મોત થયાં છે જ્યારે 18,500 લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનનો દાવો છે કે રશિયાએ 3.92 લાખ સૈનિકો ગુમાવ્યા છે. દરમિયાન, અમેરિકાએ શુક્રવારે 500 નવી રશિયન કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા છે. તેના જવાબમાં રશિયાએ પણ ઈયુના અધિકારીઓ અને કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યો છે.
બીજી તરફ, પુટિને શુક્રવારે ફાધરલેન્ડ ડેના અવસર પર કહ્યું કે રશિયાનાં 95% વ્યૂહાત્મક પરમાણુ દળોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. રશિયન એરફોર્સે તાજેતરમાં 4 નવા સુપરસોનિક ન્યુક્લિયર સક્ષમ બોમ્બર્સની ડિલિવરી લીધી છે. પુટિને આ ટિપ્પણી આધુનિક ટીયુ-160એમ પરમાણુ-સક્ષમ વ્યૂહાત્મક બોમ્બર પર ઉડાન ભર્યાના એક દિવસ પછી કરી હતી.