વેલેન્ટાઇન ડેના દિવસે 14 વર્ષની સગીરા પર સગીરવયના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને તેના બે મિત્રએ મદદગારી કર્યાની ઘટનામાં નવોજ ધડાકો થયો છે. સગીરા અગાઉ તેના સાવકા પિતાની હવસનો પણ શિકાર બની હતી. પિતાના મિત્રઅે પણ બીભત્સ માંગ કરી હતી અને આ ઘટનાની જાણ થયા બાદ જનેતાએ પણ પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી આ ઘટના પર પડદો પાડવાની કોશિશ કરી હતી. પોલીસે સગીરાના સાવકા પિતા સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો.
14 વર્ષની સગીરાએ આ મામલે તા.17ને સોમવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તેના સાવકા પિતા, જનેતા અને પિતાના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6 ફેબ્રુઆરીના તેની માતા બ્યુટીપાર્લરના કામે બહાર ગઇ હતી ત્યારે પોતે તથા તેના સાવકા પિતા ઘરમાં એકલા હતા. સાવકા પિતાએ નજર બગાડી હતી અને સગીરાને ધમકાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પિતાની હેવાનિયતથી સગીરા લોહીલુહાણ થઇ ગઇ હતી. જોકે આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી પિતાએ ધમકી આપતા સગીરાએ ચુપકીદી સાધી હતી. સગીરાની માતા ઘરે આવી ત્યારે પણ તેણે આ અંગે કંઇ કહ્યું નહોતું.
સગીરા પર તેના સાવકા પિતાએ દુષ્કર્મ કર્યાની સાવકા પિતાના મિત્રને જાણ થતાં તેની પણ દાનત બગડી હતી અને તેણે થોડા દિવસ પહેલાં સગીરા પાસે બીભત્સ માંગ કરી હતી અને અડપલાં પણ કર્યા હતા. જોકે આ અંગે પણ સગીરાએ તેની જનેતાને જાણ કરી નહોતી. બાદમાં સગીરાની માતાને આ અંગે જાણ થતાં સગી જનેતાએ પુત્રીને ધમકી આપી હતી કે, ‘તું મને શું આપીશ, આ તારો પિતા મને રોટલો અને આશરો આપે છે, તું મરી જા તો પણ મને ફર્ક પડતો નથી, તેણે તારી સાથે શરીરસંબંધ બાંધ્યા તે અંગે કોઇને જાણ કરીશ તો તને મારી નાખીશ’. પોલીસે સગીરાની ફરિયાદ પરથી તેના સાવકા પિતા, જનેતા અને પિતાના મિત્ર સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.