ઈરાનના ચાબહાર અને રસ્ક શહેરોમાં આતંકી હુમલો થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આમાં 11 સુરક્ષાકર્મીઓ અને 16 નાગરિકોનાં મોત થયા છે. લગભગ 10 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે આ હુમલો બુધવારે રાત્રે થયો હતો. આ હુમલો જૈશ-અલ-અદલના આતંકવાદીઓએ કર્યો હતો. મૃતકોમાં 2 પોલીસ અધિકારીઓ, 2 બોર્ડર ગાર્ડ્સ અને 7 સૈનિકો સામેલ છે. ઈરાનના નાયબ ગૃહમંત્રી માજિદ મિરાહમાદીએ કહ્યું કે આતંકવાદીઓ ચાબહારમાં હાજર બોર્ડર ગાર્ડ્સના મુખ્યાલય પર કબજો કરવા માગતા હતા.
જો કે, તેઓ તેમની યોજનામાં સફળ થઈ શક્યા નહીં. ઈરાની મીડિયા IRNAએ અહેવાલ આપ્યો છે કે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ અત્યાર સુધીમાં 15 આતંકવાદીઓને મારી નાખ્યા છે.
પાકિસ્તાને ઈરાનમાં થયેલા હુમલાની નિંદા કરી છે. પાકિસ્તાની રાજદૂત મુદસ્સિરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, "ઈરાન પર 2 આતંકવાદી હુમલામાં ઘણા સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા. આતંકવાદ સામેની લડાઈમાં અમે ઈરાનની સાથે છીએ."
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથેની ઈરાનની સરહદો પર ઘણા સમયથી આતંકી હુમલા થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ઈરાની સૈનિકો સુન્ની આતંકવાદીઓ અને ડ્રગ સ્મગલરો સાથે ઘણી વખત અથડામણ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈરાનના રસ્ક શહેરમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જેમાં 11 સુરક્ષા જવાનો શહીદ થયા હતા.