રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની સોસાયટીમાં રહેતી 15 વર્ષ 6 માસની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સંડોવાયેલા મૂળ કચ્છ જિલ્લાના રાપરના વતની અને હાલમાં રાજકોટની ભગવતી સોસાયટીમાં રહેતા પરિણીત ગુલશનઅલી ઉર્ફે લાલો ગુલામ રસુલ સમા સામેનો કેસ ચાલી જતા સેશન્સ જજ જે.ડી.સુથારે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો છે.
રાજકોટના થોરાળા વિસ્તારની સોસાયટીમાં રહેતી સગીરા પર દુષ્કર્મ કરવાની ઘટનામાં તા.15-7-2022ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપી ગુલશનઅલી ઉર્ફે લાલો ગુલામ રસુલ સમાની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.
પોક્સો અદાલતમાં આ કેસ ચાલી જતાં સરકાર તરફે રોકાયેલ સરકારી વકીલ મુકેશભાઈ પીપળિયાએ દલીલ કરેલ કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગુનો છે અને આરોપીએ 15 વર્ષ અને 6 માસની સગીરા પર દુષ્કર્મ આચરેલ છે અને આરોપી 25 વર્ષનો છે અને પરિણીત છે અને અને આવો ગુનો આચરેલ છે. જે દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ સેશન્સ જજ જે.ડી. સુથારે આરોપી ગુલશન અલી ઉર્ફે લાલો રસુલ સમાને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફરમાવેલ છે તેમજ ભોગ બનનાર સગીરાને રૂપિયા ત્રણ લાખનું વળતર અપાવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને હુકમ કરેલ છે.