ડોનેત્સના બખમુટમાં કડકડતી ઠંડીમાં તહેનાત જવાનોની હાલત અંગે જાણકારી બાદ હવે યુક્રેનની રાજધાની કીવ પહોંચી છું. અહીં સાંજના 5 વાગ્યા છે અને શહેરમાં અંધકાર છવાયેલો છે. અહીં પણ પારો ગગડીને માઇનસમાં છે. ચાર રસ્તા પર કેટલીક ટ્રાફિક લાઇટ ચમકી રહી છે. હું રહેણાક વિસ્તારમાં કોલોની તરફ પહોંચી છું. આ વિસ્તારોમાં પણ અંધારપટ છે.
કેટલાંક ઘરો અને ફ્લેટ્સમાં થોડીક રોશની જોવા મળી રહી છે. કેટલાંક ઘરોમાં મીણબતીનો પ્રકાશ છે. વીજકાપ અંગે તપાસ કરતા ખબર પડી કે સાંજે 5 કલાક સુધી લોકો કામ પતાવીને ઘરે આવે ત્યાં સુધી વીજકાપ હોય છે. પાણીની બોટલ ભરીને લઇ જતા વરફોલોમીવે જણાવ્યું કે સાંજ થતા જ રોશની માટે અમે મીણબતી કરીએ છીએ. તેની જ રોશનીમાં સાંજની રસોઇ તૈયાર કરાય છે. રશિયાને કારણે અમે મજબૂર છીએ. રશિયાએ રાજધાનીના દરેક ખૂણામાં હુમલા કર્યા છે. તેઓએ હુમલો કરીને મૂર્ખતાભર્યું કામ કર્યું છે તેવો અહેસાસ થવો જોઇએ. તેઓ આતંકીઓની માફક શાંતિપ્રિય જનતાને નિશાન બનાવી રહ્યા છે.
આ યુક્રેનના ઇતિહાસમાં સૌથી પડકારજનક શિયાળો હશે, પરંતુ અમે તૈયાર છીએ. અમે પાણી-વીજળી અને સંચાર (ફોન, મોબાઇલ, ઇન્ટરનેટ વગર) રહેવા પણ તૈયાર છીએ, પરંતુ તે ગુલામી હેઠળ જીવન વિતાવવું અસંભવ છે જેમાં રશિયા અમને ધકેલવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેઓ ઇચ્છે છે કે ઠંડીને કારણે અમારો જુસ્સો ઠંડો પડે અને રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સકી રશિયા સાથે વાતચીત કરવા માટે મજબૂર થાય. મારા જેવા તમામ યુક્રેની નાગરિકોને તે જરા પણ મંજૂર નથી.
ગિલે એક કબાટ દર્શાવતા કહ્યું કે અહીં ઠંડીથી બચવા માટે કપડાં, સ્લીપિંગ બેગ અને ધાબળો છે. ફ્લેટમાં ઠંડી છે. પરંતુ આ સ્થિતિ તે જવાનો કરતાં સારી છે જે રશિયાના સૈન્ય સામે મક્કમપણે તહેનાત છે. માટે જ અમને ફરિયાદનો અધિકાર નથી. આ વચ્ચે યુક્રેનના નાયબ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે યુક્રેનના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રશિયન મિસાઇલથી કોઇ નુકસાન નહીં થાય.