ભરૂચમાં એક લગ્ન પ્રસંગ બાદ કેટલાંક શખ્સોએ મંડપમાં બેઠા-બેઠા રાષ્ટ્રગીત ગાવા સાથે રાષ્ટ્રગીત વખતે પાલન કરવાના નિયમોનો ભંગ કર્યો હતો. ભાજપના આગેવાનો સહિત 11 શખ્સોએ રાષ્ટ્રગીત ગાવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. મામલામાં ભરૂચ બી ડિવિઝન પોલીસે જાતે જ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતાં ઐયુબ ઇબ્રાહિમ પટેલની પુત્રીનો રાત્રીના સમયે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગમાં ભાજપના આગેવાનો-કાર્યકરો સહિત 11 જણાએ મંડપમાં જ રાષ્ટ્રગીતનું ગાન શરૂ કર્યું હતું. જેમાં પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે અન્ય 5 શખ્સોએ સાવધાન અવસ્થામાં ઉભા રહ્યાં વિના રાષ્ટ્રગીતનું પઠન કર્યું હતું. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉહાપો થયો છે. અરસામાં ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે જાતે જ ફરિયાદી બની વિડિયોમાં દેખાતાં તમામ 11 લોકો વિરૂદ્ધ હાલમાં ગુનો નોંધ્યો છે.