અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગાઝા યુદ્ધ અને તેને હાથ ધરવા સાથે સંબંધિત પગલાંને વડાપ્રધાન નેતન્યાહુની મોટી ભૂલ તરીકે ગણાવીને તેમની પરોક્ષ રીતે ટીકા કરી છે. બાઇડેને પોતાની સરકારને ગાઝામાં વધુ સહાય પહોંચાડવા માટે અપીલ કરી છે. આના કારણે ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ વધી ગયું છે.
સાતમી ઓક્ટોબરના દિવસે હુમલા બાદથી બાઇડેન હમાસની સામે ઇઝરાયલના યુદ્ધના મુખ્ય સમર્થક તરીકે રહ્યા છે. જોકે છેલ્લાં કેટલાંક સપ્તાહથી નેતન્યાહુને લઇને તેમનો વિશ્વાસ તૂટી રહ્યો છે. તેમના વહીવટીતંત્ર દ્વારા પણ ઇઝરાયલની સાથે વધુ કઠોર વલણ અપનાવવામાં આવ્યું છે.
આના કારણે બંને દેશો વચ્ચેના સંબંધ હવે તંગ બની રહ્યા છે. સાથે યુદ્ધને લઇને ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ પડવાના સંકેત પણ મળી રહ્યા છે. સૌથી ગંભીર અસહમતિ ગાઝાના સૌથી દક્ષિણી શહેર રાફામાં ઇઝરાયલની આક્રમક યોજનાને લઇને છે.
ઇઝરાયલે સીધી રીતે ઇરાન પર હુમલા કરવાની ધમકી આપી
ઇઝરાયલના વિદેશમંત્રીએ બુધવારના દિવસે ધમકી આપી હતી કે જો ઇરાન પોતાના ક્ષેત્રમાંથી ઇઝરાયલ પર હુમલા કરે છે તો તેની સેનાઓ સીધી રીતે ઇરાન પર હુમલા કરશે. સીરિયામાં ઇરાની દૂતાવાસ પર કરવામાં આવેલા હવાઇ હુમલામાં ઇરાની જનરલોના મોત બાદ બંને દેશો વચ્ચેના સંબંધ વિસ્ફોટક બની ગયા છે.