ક્લાઈમેટ ચેન્જથી દુનિયાનો ટુરિસ્ટ મેપ પણ બદલાઈ જશે. આગામી 75 વર્ષોમાં ઘણા દેશોમાં સારી આબોહવાના દિવસોની સંખ્યા ઘટશે તો ક્યાંક વધી જશે. MITના સંશોધન મુજબ ભારતમાં પ્રવાસીઓ માટે સારા ગણાતા ‘આઉટડોર ડે’ની સંખ્યા 140 થી ઘટીને 69 થઈ જશે. ‘આઉટડોર ડે’ એ 24-કલાકનો સમયગાળો છે જેમાં ઘરની બહાર અત્યંત ગરમી કે આકરી ઠંડીનો અનુભવ થતો નથી. આ સમય દરમિયાન લોકો આસપાસ ફરવા, રમવા, કૂદકા મારવા અને ઘરની બહારના તમામ કામ સરળતાથી કરી શકે છે.
વિજ્ઞાનીઓએ હવામાનને લગતા 50 મોડેલોના ડેટાનું એનાલિસિસ કર્યા બાદ જણાવ્યું હતું કે દક્ષિણ ગોળાર્ધના દેશોમાં આબોહવા પરિવર્તનની અસરો વધુ ઘેરી રહેશે. જો કે, માનવસર્જિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં આ દેશોનો ફાળો ઓછો રહ્યો છે. બાર્બાડોસ જેવા કેરેબિયન ટાપુઓ સારા હવામાનને કારણે આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓની ભીડને આકર્ષે છે. પરંતુ વર્ષ 2100 સુધીમાંઅહીં ખુશનુમા હવામાનના દિવસો ઘટીને લગભગ અડધા થઈ જશે.
આફ્રિકાના આઇવરી કોસ્ટ જેવા વિકાસશીલ દેશોને પણ ઓછા આઉટડોર દિવસો મળશે. રશિયા, કેનેડા અને અન્ય ઉત્તરીય દેશોને વધુ આઉટડોર દિવસો મળશે, એમઆઈટી (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી) ના સંશોધક યેઓનવુ ચોઈ કહે છે. પ્રવાસીઓ બ્રિટન અને ઓસ્ટ્રિયામાં પણ લાંબા સમય સુધી મુસાફરી કરી શકશે.