અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી 5,000 કરોડનું કોકેઇન અને મેથ નામનું ડ્રગ્સ ઝડપાયા બાદ કંપનીના માલિકો પણ શંકાના દાયરામાં આવ્યા છે. કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, વિજય ભેંસાણિયા અને બ્રિજેશ કોઠિયાએ 2016માં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી અને 2024 સુધીમાં તેઓ બે કંપનીઓના માલિક બની ગયા છે. હાલ તો ત્રણેય ડિરેકટરો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના રિમાન્ડ પર છે.
આવકાર ડ્રગ્સ કંપનીને પૂણેની ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીએ કેમિકલ પ્રોસેસ કરી પ્રોડક્ટ બનાવી આપવાનું જોબવર્ક આપ્યું હતું. પૂણેની કંપની તરફથી અભિલાષા ગુપ્તા નામની મહિલાએ આવકારના ડિરેક્ટરો સાથે કરાર કર્યો હતો. પોલીસની તપાસમાં ફાર્મા સોલ્યુશન કંપનીની ઓફિસ માત્ર 10 બાય 10ની ખોલીમાં કાર્યરત છે અને અભિલાષા તેમાં નોકરી કરતી હતી અને તેને પાવર ઓફ એટર્ની આપીને કરાર કરાવાયો હતો. પોલીસની તપાસમાં ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપની ડ્રગ્સ કાર્ટેલે ઊભી કરેલી બોગસ કંપની છે અને તેના માધ્યમથી અંકલેશ્વરમાં કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પ્રોસેસ કરાવી તેને દિલ્હી સુધી પહોંચાડી દીધું હતું.
આ કંપનીમાં મહિલા કર્તાહર્તા માત્ર મહોરું છે તેના અસલી માલિકો દુબઇ અને બ્રિટનમાં રહે છે. તેઓ વોટ્સએપ કોલની મદદથી મહિલાને સૂચનાઓ આપતાં હોવાની વિગતો સામે આવી છે. આવકાર ડ્રગ્સના સંચાલકો જોબવર્કનું કામ હોવાથી કોડિંગ સાથે રો- મટીરિયલ મળ્યું હોવાનો દાવો કરી રહ્યાં છે પણ આ કંપનીના માલિકો 8 જ વર્ષમાં બે કંપનીઓના માલિક બની ગયા છે અને અંકલેશ્વરના પોશ વિસ્તારમાં રહેણાક મકાનો ધરાવે છે. ઓગસ્ટ મહિનાથી પૂણેની કંપની સાથે કરાર કરીને ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબરમાં કંપનીના સંચાલકોના પગ તળે રેલો આવ્યો હતો.