ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનની 25મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને રોમાંચક મેચમાં 14 રને હરાવ્યું હતું. આ મેચમાં કેમરૂન ગ્રીન હીરો રહ્યો હતો. તેણે IPL કરિયરની પહેલી ફિફ્ટી ફટકારી હતી. ઉપરાંત 1 વિકેટ પણ લીધી હતી. આ જીત સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ હવે પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગયું છે. જ્યારે સનરાઝર્સ હૈદરાબાદ નવમા નંબરે પહોંચી ગયું છે.
ટૉસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા કેમરૂન ગ્રીને મુંબઈ તરફથી ફિફ્ટી ફટકારી હતી. તેણે અંત સુધી બેટિંગ કરીને ટીમનો સ્કોર 190ની પાર પહોંચાડ્યો હતો. તેણે શાનદાર બેટિંગ કરતા IPLની પહેલી ફિફ્ટી ફટકારી હતી. તેણે 40 બોલમાં 64* રનની ઇનિંગ રમી હતી. કેમરુન ગ્રીને બોલિંગમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 29 રન આપીને એક વિકેટ લીધી હતી.
મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેન સળંગ ઓવરમાં આઉટ થયા હતા. 14મી ઓવરમાં પીયૂષ ચાવલા અને 15મી ઓવરમાં મયંક રિલે મેરેડિથનો શિકાર બન્યા હતા. આ બન્નેએ ટીમની ઇનિંગને સંભાળતા 55 રનની પાર્ટનરશિપ કરી હતી. હેનરિક ક્લાસેન 16 બોલમાં 36 રન અને મયંક અગ્રવાલ 40 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો હતો. આ બન્ને બેટર્સ આઉટ થયા પછી જ હૈદરાબાદ બેકફૂટ પર આવી ગઈ હતી.