રાજકોટમાં આજી ડેમ પાસે હાર્ડવેરનું કારખાનું ધરાવતા વેપારીની પેઢીનો જીએસટી નંબર બારોબાર મેળવી અમદાવાદના બે ગઠિયાએ તે જીએસટી નંબરના આધારે બારોબાર બિલ બનાવી બિહારની બે સહિત ત્રણ પેઢીના સંચાલકો પાસેથી નાણાં ખંખેરી લીધા હતા, રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે બંનેને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ગોંડલ ચોકડી પાસેના બાલાજીપાર્કમાં રહેતા અને આજી ડેમ ચોકડી પાસે ઓમકાર ઇન્ટરનેશનલ નામે હાર્ડવેરની ફેક્ટરી ધરાવતાં મોહિતભાઇ ભરતભાઇ લાંભિયા (ઉ.વ.30)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મોહિતભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને તેમાં ઓમકાર ઇન્ટરનેશનલ નામે બિઝનેસ પ્રોફાઇલ બનાવી હતી, ગત તા.22 ઓક્ટોબરના બિહારની સાંઇ સેલ્સ નામની પેઢીના સંચાલકે ફોન કરીને જાણ કરી હતી કે, તમને રૂ.49664 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા છે છતાં માલ હજુ મળ્યો નથી, ત્યારબાદ 9 નવેમ્બરે ઇન્દોરની ગણેશ ટિમ્બર નામની પેઢીના સંચાલકે ફોન કરી પેમેન્ટ કર્યું હોવા છતાં માલ નહીં મળ્યાની ફરિયાદ કરી હતી, બાદમાં 3 ફેબ્રુઆરીના બિહારની ભવાની હાર્ડવેર નામની પેઢીના સંચાલકે પણ એવી જ ફરિયાદ કરતાં મોહિતભાઇને પોતાના જીએસટી નંબર અને બિલનો ગેરઉપયોગ થયાની શંકા ઊઠી હતી, ત્રણેય પેઢીએ જે મોબાઇલ નંબર પર ઓનલાઇન નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે મોબાઇલ નંબર મોહિતભાઇએ મેળવીને સાયબર ક્રાઇમના અધિકારીને સોંપતા તેના પર તપાસ શરૂ થઇ હતી.