અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચાર જુદા જુદા મામલામાં 91થી વધુ અપરાધિક આરોપ છે. હશ મની કેસમાં ન્યૂયોર્ક કોર્ટમાં સુનાવણી હાલમાં ચાલી રહી છે. જ્યારે રાષ્ટ્રપતિ તરીકે ઇમ્યુનિટીને લઇને વોશિંગ્ટનમાં સુપ્રીમકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પોતાની સામે ચાલી રહેલા કેસોને ટ્રમ્પ લોકશાહી માટે ખતરા તરીકે ગણાવીને સમર્થકોની સાહનુભૂતિ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. સરવેમાં રિપબ્લિકન સમર્થકોને લઇને વિગત સામે આવી છે. રિપબ્લિકન પાર્ટીના એક તૃતીયાંશ મતદારો અથવા તો 33 ટકા મતદારોએ કહ્યું છે કે જો ટ્રમ્પને સજા થશે તે તેઓ ટ્રમ્પને મત આપશે નહીં. બીજી બાજુ તમામ મતદારોની વાત કરવામાં આવે તો અડધાથી વધુ અમેરિકન મતદારો (55 ટકા) એ કહ્યું છે કે જો ટ્રમ્પને જેલની સજા થશે તો તેઓ મત આપશે નહીં.
હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે સૌથી વધારે ચર્ચાસ્પદ હશ મની કેસમાં ન્યૂયોર્કની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ટ્રમ્પ પર મેનહટ્ટનમાં કારોબારી રેકોર્ડમાં હેરાફેરી કરવાનો આરોપ છે. ટ્રમ્પે 2016માં એક પોર્નસ્ટાર સ્ટાર્મી ડેનિયલને પોતાના સંબંધની માહિતી જાહેર ન કરવા બદલ જંગી નાણાં ચૂકવ્યા હતા. આ મામલામાં ટ્રમ્પ પર 34 આરોપ છે. જે પૈકી દરેકમાં ચાર વર્ષની જેલની સજાની જોગવાઇ રહેલી છે. આ કેસમાં ફાસ્ટટ્રેક સુનાવણી ચાલી રહી છે. બે સપ્તાહમાં ચુકાદો આવી શકે છે. જો ટ્રમ્પ દોષિત જાહેર થાય છે તોપણ તેમને તરત જ જેલમાં મોકલવામાં આવશે નહીં કારણ કે તેઓ અપીલ કોર્ટમાં અને છેલ્લે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી શકે છે. કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલાં ટ્રમ્પને જેલમાં જવું પડી શકે છે. બીજી બાજુ ટ્રમ્પની સામે અન્ય ત્રણ કેસ પણ રહેલા છે. જેમાં સુનાવણી હજુ સુધી થઇ નથી.