ગોંડલ પંથકની બેલડીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ 17 બાઇક ચોરીના બનાવોનો ભેદ ઉકેલ્યો છે. અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો ગોંડલના સડક પીપળિયાનો મુકેશ લાભુ મારડિયા નામનો શખ્સ ચોરાઉ વાહન સાથે ફરતો હોવાની માહિતી બાદ મુકેશને ચોરાઉ બાઇક સાથે ઝડપી લેવાયો હતો.
બાદમાં સકંજામાં આવેલા મુકેશની વિશેષ પૂછપરછ કરતા તેને એક પછી એક એમ રાજકોટ શહેર-ગ્રામ્ય અને જૂનાગઢ જિલ્લામાંથી કુલ 17 વાહન ચોરી કર્યાની અને તમામ વાહન રીબડાના ગુંદાસરા ગામના આશિષ વલ્લભ કાપડી પાસે હોવાની કબૂલાત આપી હતી. 2011માં 27 વાહન ચોરી કરનાર મુકેશની પૂછપરછમાં તે રાજકોટ શહેર, ગોંડલ, શાપર અને જૂનાગઢ જિલ્લામાં મોટા ભાગે હોસ્પિટલ નજીકના સ્થળોની રેકી કરતો હતો.
બાદમાં લોક મારેલા ન હોય તેવા વાહનો ઉઠાવી લીધા બાદ થોડે સુધી દોરી જઇ ડાયરેક્ટ કરીને લઇ જતો હતો. બાઇક ચોરી કર્યા બાદ આશિષને રૂ.10થી 20 હજારમાં વેચી નાંખતો હતો. અને આશિષ તેના પરિચિતોને વાહન આપી દેતો હોવાની કબૂલાત આપી છે. પોલીસે રૂ.6.75 લાખની કિંમતના 17 વાહન કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.