શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ગણેશનગરમાં રહેતો નામચીન ઇભલો છાશવારે ખેલ કરીને એ વિસ્તારના લોકોમાં ભય ફેલાવતો રહે છે. ગત તા.7ના વેપારી યુવક સાથે માથાકૂટ કરી તેના પર ઇભલો અને તેના ભાઇ સહિત ચાર શખ્સોએ ધોકા અને તલવારના ઘા ઝીંકી યુવકની હત્યાની કોશિશ કરી હતી. આ ગુનામાં ફરાર ઇભલો અને તેના ભાઇને અંતે પોલીસે ઝડપી લીધા હતા.
મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસેના ગણેશનગરમાં રહેતો યોગેશ હરજીવનભાઇ મકવાણા ગત તા.7ના ગણેશનગરમાં જ આવેલી પોતાની કરિયાણાની દુકાન પાસે હતો ત્યારે નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટિયા યોગેશના માતા-પિતા સાથે ઝઘડા કરી રહ્યો હતો. યોગેશે ત્યાં જઇ શા માટે માથાકૂટ કરે છે તેમ કહેતા ઇભલાએ તારી દુકાન પાસે પરપ્રાંતીયોને શા માટે એકઠા કરો છો તેમ કહ્યું હતું. પરપ્રાંતીયો ખરીદી માટે આવતા હોય દુકાન પાસે બેસતા હોવાનું યોગેશે કહેતા ઇભલો ગાળો ભાંડવા લાગ્યો હતો.
યોગેશ મકવાણાએ ગાળો બોલવાની ના કહેતા ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો ઉશ્કેરાયો હતો અને માથાકૂટ કરીને જતો રહ્યો હતો જોકે થોડીવાર બાદ ઇભલો, તેનો ભાઇ ફિરોઝ અને બીજા બે ઇસમો ધોકા અને તલવાર લઇને ત્યાં ધસી ગયા હતા અનેે યોગેશ પર ધોકા તલવારથી તૂટી પડ્યા હતા. યોગેશને બચાવવા વચ્ચે પડેલા તેના પિતા હરજીવનભાઇને પણ માથાભારે ઇસમોએ માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યોગેશ મકવાણાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.