મંગળવારે મ્યાનમારની સેનાના હવાઈ હુમલામાં 53 લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં 15 મહિલાઓ અને કેટલાક બાળકોનો સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ મૃત્યુઆંક વધી પણ શકે છે.
સેનાએ આ હવાઈ હુમલા બળવાખોરોનો ગઢ ગણાતા પાજીગી વિસ્તારમાં કર્યા હતા, જે ત્યાંના સાગૈંગ પ્રાંતમાં છે. હુમલા સમયે એક ઓફિસના ઉદ્ઘાટન માટે લોકો એકઠા થયા હતા. બે વર્ષ પહેલા થયેલા બળવા બાદ આ સેનાનો સૌથી મોટો હુમલો ગણાવામાં આવી રહ્યો છે.
હુમલા દરમિયાન હાજર એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે સવારે 7 વાગ્યે સેનાનું એક જેટ ગામમાં આવ્યું. તેણે બોમ્બ ફેંક્યો, ત્યારપછી કેટલાય હેલિકોપ્ટરથી ફાયરિંગ શરૂ થયું. આ ગોળીબાર સતત 20 મિનિટ સુધી ચાલુ રહ્યો.
નજીકમાં રહેતા લોકોએ તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં ચારેબાજુ મૃતદેહો દેખાય છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, તેઓએ મૃતદેહોની ગણતરી શરૂ કરી, પરંતુ શરીરના અંગો અલગ-અલગ જગ્યાએ ફેલાયેલા હોવાના કારણે તેઓ ગણતરી કરી શક્યા નહીં.