શહેરમાં લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત રહેતી પોલીસનો ફાયદો ઉઠાવતા તસ્કરો બેકાબૂ બન્યા છે. દૂધસાગર રોડ પર રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં વહેલી સવારે બંધ મકાનના તાળાં તાેડી મકાનમાં ઘૂસી પરિવારોને ઊંઘતો રાખી તસ્કર રોકડ અને ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.07 લાખની મતાની ચોરી થયાની મહિલાએ ફરિયાદ કરતા થોરાળા પોલીસે ગુનો નોંધી તસ્કરને સકંજામાં લઇ વિશેષ પૂછતાછ કરી હતી. રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં રહેતા અને આયુર્વેદિક પાઉડર બનાવતી કંપનીમાં નોકરી કરતા રેખાબેન પ્રવીણભાઇ પરમારએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.24ના રોજ તેના ઘેર તેના મેઇન દરવાજાને તાળાં મારીને પરિવાર સાથે સૂતા હતા તે દરમિયાન મકાનના તાળાં તોડી કબાટનો લોક તોડી રૂ.20 હજારની રોકડ તેમજ ચાંદીના દાગીના અને ચાર મોબાઇલ મળી કુલ રૂ.1.07 લાખની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાનું જણાવતા પીએસઆઇ પરમાર સહિતે ગુનો નોંધી તપાસ કરી માહિતીને આધારે તસ્કરને સકંજામાં લઇ તેની પૂછતાછ કરી તેની ધરપકડ કરવાની તેમજ ચોરીની મતા કબજે કરવાની કાર્યવાહી કરી હતી.