નવા થોરાળામાં દબાણ હટાવતી વેળાએ ડખો થતાં ટોળાંએ પીઆઈ સહિતની ટીમને ઘેરી લઈ પથ્થરમારો કરતા એક મહિલા પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. એક યુવકે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાના આક્ષેપ સાથે જાહેરમાં ફિનાઈલ પી લીધું હતું. બીજી બાજુ પોલીસે ફરજમાં રૂકાવટ કરનાર 7 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.નવા થોરાળા મેઇન રોડ પર સ્વામિનારાયણ સ્કૂલ પાસે રોડ પર પાથરાણા પાથરી દબાણ કર્યું હતું. જેથી મનપાની ટીમે પાથરણાવાળાઓને તેમની વસ્તુઓ હટાવી દબાણ દૂર કરવા જણાવ્યું હતું, પરંતુ મનપાની ટીમની સૂચનાનું પાલન કરવાને બદલે બોલાચાલી કરવા લાગ્યા હતા.
અનેક વખત સમજાવવા છતાં નહિ સમજતા મનપાની ટીમે પાથરણા હટાવવાની કામગીરી શરૂ કરતા મામલો બિચક્યો હતો. રોડને બ્લોક કરી અડચણરૂપ બનતા પાથરણાવાળાઓએ ઝઘડો શરૂ કરી મનપા અને પોલીસ ટીમ પર પથ્થરમારો કરતા દબાણ હટાવ ટીમ સાથે રહેલા મહિલા પોલીસ એ.કે.રાઠોડને હાથમાં ઇજા થઇ હતી. મહિલા પોલીસને ઇજા થતા સારવાર માટે તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમયે ઉશ્કેરાયેલા ટોળાંએ મનપા તેમજ પોલીસવાનમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું. વાતાવરણ વધુ તંગ થતા થોરાળા પોલીસ મથકનાં પીઆઇ બી.એમ.ઝણકાટ સહિતનો કાફલો તુરંત દોડી ગયો હતો.
વધુ પોલીસને જોઇ પાથરણાવાળાઓએ તેમના મોબાઇલથી વીડિયો ઉતારવાનું ચાલુ કરી દીધું હતું અને પીઆઇ સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી બેફામ વાણીવિલાસ શરૂ કર્યો હતો. તદઉપરાંત પોલીસે પથ્થરમારો કરનાર પાયલ, દિલીપ ઉર્ફે દિલો, ચિરાગ સહિત સાતેક શખ્સોની અટકાયત કરી પોલીસ મથક લઇ જવાયા હતા. અને ઇજાગ્રસ્ત મહિલા પોલીસ એકતાબેન રાઠોડની ફરિયાદ પરથી પથ્થરમારો કરી ફરજમાં રુકાવટ કરનાર ટોળાં સામે ગુનો નોંધ્યો છે. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર શામજી મકવાણા હોવાનું જાણવા મળતા તેને સકંજામાં લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.