સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ ગઇકાલે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. તો આજે નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે. એક પેકેટમાં 1180 ગ્રામ જેટલા જ્થ્થા સાથે કુલ 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તો સુરતના દરિયા કિનારેથી 48 કલાકની અંદર ફરી એક વખત હાઈ પ્યોરિટી ચરસના વધુ સાત પેકેટ મળી આવ્યા છે.
બુધવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસેથી બિનવારસી 10 ચરસના પેકેટ મળી આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા 6 પોલીસ મથક વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જે બાદ નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ દ્વારા પણ પોલીસની દરેક એજન્સીઓને દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે LCB, SOG, જલાલપુર પોલીસ સહિતની ટીમો દરિયા કિનારે પેટ્રોલિંગમાં હતી.