બ્રહ્મસેના દ્વારા પરશુરામ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મયાત્રામાં સંતો-મહંતો જોડાશે. સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે પરશુરામ જયંતી મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકના જણાવ્યાનુસાર ધર્મયાત્રાનો પ્રારંભ પાણીના ઘોડા પાસેથી નીકળશે અને ત્યારબાદ પેડક રોડ પાસેથી પટેલ વાડી, ભાવનગર રોડ તરફ, પાંજરાપોળથી રામનાથપરા ગરુડ ગરબી ચોક, હાથીખાના, પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ, બાલાજી મંદિર, ત્રિકોણબાગ થઇ મોટી ટાંકી ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન થઈ ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી પંચનાથ મંદિરે પહોંચશે અને ત્યાં પૂર્ણ થશે. ધર્મયાત્રાનો પ્રારંભ સવારે 8.30 કલાકેથી થશે. હાલ સમગ્ર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધર્મયાત્રામાં બ્રહ્મસમાજના લોકોને તેમજ શહેરીજનોને ઉપસ્થિત રહેવા માટે આયોજક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલા અને વડિલો પણ જોડાશે. ધર્મયાત્રામાં ધાર્મિક અને સમાજીક સંદેશા આપતા ફ્લોટ પણ રજૂ કરાશે. તેમજ યુવાનો કારના કાફલા અને ટૂ-વ્હીલરમાં જોડાશે. તેમ આયોજકોએ જણાવ્યું છે. ધર્મયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે. તેમજ સરબત, પાણી અન પ્રસાદી વિતરણ કરવામાં આવશે. ધર્મયાત્રા શરૂ કરતા પહેલા શાસ્ત્રોકવિધિથી પૂજા કરવામાં આવશે.