હમાસે સીઝફાયર કરાર સ્વીકાર્યા બાદ મંગળવારે ઇઝરાયલની સેના દક્ષિણ ગાઝાના રાફા વિસ્તારમાં ટેન્ક લઈને ઘુસી હતી. તેણે ઇજિપ્ત સાથેની ગાઝાની સરહદ કબજે કરી લીધી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઇઝરાયલે દાવો કર્યો છે કે આ ઓપરેશન દરમિયાન તેણે હમાસના 20 આતંકીઓને માર્યા છે. સૈનિકોને આ વિસ્તારમાં ત્રણ હમાસ ટનલ મળી છે.
રાફા હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયલની સેનાના ઓપરેશનનું છેલ્લું સ્ટોપ છે. ઈન્ટેલિજન્સ ટાંકીને ઇઝરાયલે દાવો કર્યો હતો કે હમાસ આતંકવાદી કૃત્યો માટે સરહદનો ઉપયોગ કરે છે. રાફા પર હુમલા પહેલા ઇઝરાયલે આ વિસ્તારમાંથી એક લાખ પેલેસ્ટિનીઓને બહાર કાઢવાની વાત કરી હતી.
હમાસે સીઝફાયર સ્વીકાર્યું પરંતુ ઇઝરાયલને મંજુર નથી
ઇઝરાયલ સાથે 7 મહિનાના યુદ્ધ પછી, હમાસે ઇજિપ્ત અને કતારના સીઝફાયર પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. હમાસે સોમવારે (6 મે) આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું.
હમાસના નેતા ઈસ્માઈલ હનીયે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-થાની અને ઈજીપ્તની ગુપ્તચર એજન્સી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે બંનેને કહ્યું કે તેઓ ઇઝરાયલ સાથે સીઝફાયર માટે તેની શરતો સ્વીકારી રહ્યાં છે. હમાસે કહ્યું, "હવે નિર્ણય ઇઝરાયલના હાથમાં છે કે તે સીઝફાયર માટે સંમત થાય છે કે નહીં."
જો કે, ઇઝરાયલે કહ્યું છે કે હમાસ જે શરતો પર સહમત છે તેને તે સ્વીકારતું નથી. આ પછી ઇઝરાયલે યુદ્ધનો અંતિમ તબક્કો શરૂ કર્યો અને દક્ષિણ ગાઝામાં રાફા પર હુમલો કર્યો.