ચોટીલા પંથકની સગીરાને ઝેરી અસર થયેલી હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગીરાને પ્રેમજાળમાં ફસાવી તળાવ કાંઠે બોલાવી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ઝેરી પાઉડર પ્રવાહીમાં પીવડાવી દીધાનો આક્ષેપ કરાયો હતો.
ચોટીલા પંથકમાં રહેતી 17 વર્ષની સગીરાને સોમવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સગીરાએ ડોક્ટર સમક્ષ કહ્યું હતું કે, તેને ગામના તળાવ પાસે પ્રેમીએ ઝેરી પદાર્થ પીવડાવી દીધો હતો. આ વાત સાંભળી તબીબ ચોંકી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સગીરા અને તેના પરિવારજનોઅે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, સગીરા મજૂરીકામે જાય છે ત્યાં તેની સાથે દિલીપ નામનો શખ્સ પણ મજૂરીકામે આવતો હોય બંને વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. દિલીપે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફસાવી લીધી હતી અને બે દિવસ પહેલા સગીરાને ગામમાં તળાવ કાંઠે બોલાવી હતી. સગીરા ત્યાં પહોંચતા દિલીપે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેને ફોસલાવીને ઉંદર મારવાનો પાઉડર કોઇ પ્રવાહીમાં ભેળવી પીવડાવી દીધો હતો.