શ્રીલંકામાં 21 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા તમામ ભારતીયો શ્રીલંકામાં ઓનલાઈન માર્કેટિંગ કેન્દ્રોમાં કામ કરતા હતા. આ પ્રવાસી વિઝાની શરતોનું ઉલ્લંઘન છે.
શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકાની સરકારે તાજેતરમાં ટૂરિસ્ટ વિઝા માટેના નિયમોને સરળ બનાવ્યા છે. આરોપ છે કે ધરપકડ કરાયેલા ભારતીયો આ ટૂરિસ્ટ વિઝા પર શ્રીલંકા ગયા હતા અને ત્યાં એક ઓનલાઈન માર્કેટિંગ સેન્ટરમાં કામ કરવા લાગ્યા હતા.
ધરપકડ કરાયેલા ભારતીયોની ઉંમર 24 થી 25 વર્ષની વચ્ચે છે. શ્રીલંકાના અખબાર 'ડેઇલી મિરર' અનુસાર, ઇમિગ્રેશન વિભાગે જણાવ્યું છે કે તમામ 21 ભારતીયોની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. નેગોમ્બો શહેરમાં એક ઘરમાંથી કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘરમાંથી ઓનલાઈન માર્કેટિંગ સેન્ટર ચલાવવામાં આવતું હતું. અહીંથી કેટલાક ઈક્વિપમેન્ટ્સ પણ મળી આવ્યા હતા.