PoKમાં વધતી મોંઘવારી અને વીજળી કાપના વિરોધમાં શુક્રવારે (10 મે) પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. વિરોધને રોકવા માટે પાકિસ્તાને PoKના મીરપુર જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધો હતો.
લોકો કર્ફ્યુનો વિરોધ કરી રહ્યા છે. PoKના મીરપુરમાં પોલીસે શાળાના વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. તેના જવાબમાં પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લોકો 11 મેના રોજ વિધાનસભાની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કરશે.
PoKની સૌથી મોટી પાર્ટી યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) એ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે પોલીસ અને સેનાએ મળીને ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો. UKPNP નેતાઓ શૌકત અલી કાશ્મીરી અને નાસિર અઝીઝ ખાને ધરપકડ કરાયેલા દેખાવકારોને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી હતી. UKPNP એ યુએન માનવાધિકાર સંસ્થાને વિલંબ કર્યા વિના હસ્તક્ષેપ કરવા હાકલ કરી છે.