વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબ ખાતે આજે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના બૂથ પ્રમુખો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના 250 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સી.આર. પાટીલે વડોદરા લોકસભા બેઠક જીતાડવા બૂથ પ્રમુખોને આહવાન કર્યું હતું અને તેઓને કેવી રીતે આ ટાર્ગેટ પુરો કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
સી. આર. પાટીલે બૂથ પ્રમુખોને સંબોધતા કહ્યું હતું કે, 'વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ, એમની માનસિકતા ઠીક નહીં હોય, જેથી કંઇ બોલી ગયા હશે, પણ એની ચિંતા ન કરો, તમે તમારી માનસિકતા ઠીક રાખો' ઉલ્લખનિય છે કે, વડોદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ સોમવારે ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવ્યો હતો અને સિનીયર નેતાઓની અવગણના કરવામાં આવતી હોવાનું નિવેદન આપ્યું હતું.