અમેરિકન પોલીસકર્મીએ ફ્લોરિડામાં એરફોર્સના અશ્વેત સૈનિક રોજર ફોર્ટસનને ગોળી મારી દીધી. આ ઘટનાનો વીડિયો પોલીસકર્મીના બોડી કેમેરામાં રેકોર્ડ થઈ ગયો, જેને ગુરુવારે જાહેર કરવામાં આવ્યો. બ્રિટિશ મીડિયા બીબીસી અનુસાર, મૃતકના પરિવારે કહ્યું કે ફરિયાદની તપાસ કરવા આવેલા પોલીસકર્મી ખોટા ઘરમાં ઘૂસી ગયો હતો, ત્યારબાદ તેણે 23 વર્ષીય રોજરને દરવાજા પર જ ગોળી મારી દીધી હતી.
પોલીસે આરોપોને નકારી કાઢતા કહ્યું કે, "જ્યારે સૈનિકે દરવાજો ખોલ્યો ત્યારે તેના હાથમાં બંદૂક હતી. પોલીસકર્મીએ પોતાને બચાવવા માટે ગોળીબાર કર્યો હતો." રોજર્સ ફ્લોરિડા સ્પેશિયલ ઓપરેશન્સ વિંગ પાસે રહેતા હતા, જ્યાં તેની 3 મેના રોજ હત્યા કરવામાં આવી હતી.
બીબીસી અનુસાર, ઘટના બાદ આરોપી પોલીસકર્મીને રજા પર મોકલી દેવામાં આવ્યો છે. વિસ્તારના શેરિફે ખાતરી આપી હતી કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાના વીડિયો અનુસાર, પોલીસકર્મી 3 મેના રોજ સૈનિકના ઘર પાસે પહોંચે છે. પછી એક મહિલા તેને કહે છે કે તેણે સૈનિકના ઘરમાંથી લડાઈનો અવાજ સાંભળ્યો હતો. આ પછી પોલીસકર્મી ઘરનો દરવાજો ખખડાવે છે. જ્યારે સૈનિકે દરવાજો ખોલ્યો તો તેના હાથમાં બંદૂક હતી.