હજુ આઠ માસ પહેલાં જ જ્યાં લઠ્ઠાકાંડ થયો હતો અને 55 લોકો મોતને ભેટ્યા હતા તેવા બરવાળા તાલુકાના એેપીસેન્ટર સમાન ચોકડીથી માત્ર 15 થી 20 કીમીના અંતરે આવેલા ધંધુકા તાલુકાના પાંચી ગામની 250 વીઘા જમીનમાં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરી ગ્રામજનોએ જમીનમાં દાટેલા દારુ સહિત અન્ય સામગ્રી ભરેલા 250 જેટલા બેરલ, દારૂની સામગ્રી સહિતના સાધનો અને મુદ્દામાલ જપ્ત કરી 9 જેટલા ઇસમોને પોલીસના હવાલે કર્યા હતા.
અહીયા આ પ્રકારની બદી ચાલી રહી હોવા બાબતે ગ્રામજનોએ અગાઉ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઇ પગલાં લેવામાં ના આવતા છેવટે પાંચી અને તેની આજુબાજુના ગામના સરપંચો તથા ગ્રામજનોએ ભેગા મળી જનતા રેડ કરી હતી.ધોલેરા તાલુકાના પાંચી ગામે ચોક્કસ જ્ઞાતિના 50 જેટલા પરીવાર રહે છે અને પરિવારનો મુખ્ય વ્યવસાય દારૂ પાડી તેને સપ્લાય કરવાનો અને દેશી બનાવટની પિસ્તોલ થી શિકાર કરવાનો છે. પાંચી ગામની 200 વીઘા વેડવા પરિવારની જમીન અને 50 વીઘા જેટલી સરકારી જમીન મળી કુલ 250 વીઘા જમીનમાં દેશી દારૂ પાડવા માટેની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી.
100 જેટલા ગ્રામજનોએ સાથે મળી જનતા રેડ કરી
જેને લઈ આજે મંગળવારે સવારે 7 ના સુમારે પાંચી અને આસપાસના ગામોના સરપંચો અને 100 જેટલા ગ્રામજનોએ સાથે મળી જનતા રેડ કરી દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કરી જમીનમાં દાટેલા અંદાજે 250 જેટલા બેરલો, આથો, લાકડા શોધી કાઢી આ તમામનો નાશ કર્યો હતો અને લોકોએ દેશી દારૂ બનાવતા 15 જેટલા લોકોને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યા હતા.