વૈશ્વિક ફલક પર ભારત હવે ‘ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ તરીકે ઉભરી રહ્યું છે. ભારતમાં રહેલી વિપુલ તકોને કારણે આગામી 5 વર્ષમાં ભારતમાં 475 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ જોવા મળી શકે છે. CII-EY રિપોર્ટ અનુસાર કોવિડ મહામારી અને ભૌગોલિક-રાજકીય બદલાવો વચ્ચે પણ છેલ્લા એક દાયકામાં વિદેશી પ્રત્યક્ષ રોકાણમાં સતત વૃદ્વિ જોવા મળી છે.
ગત નાણાકીય વર્ષ 2021-22માં 84.8 અબજ ડોલરનું વિદેશી રોકાણ જોવા મળ્યું હતું. દેશમાં કાર્યરત 71 ટકા મલ્ટીનેશનલ કંપનીઓ વૈશ્વિક સ્તરે વિસ્તરણ માટે ભારતને મહત્વપૂર્ણ સ્થાન તરીકે ગણે છે. ટૂંકા અને લાંબા ગાળાની દૃષ્ટિએ FDIને લઇને આશાવાદ જોવા મળી રહ્યો છે.
‘વિઝન-ડેવલપ્ડ ઇન્ડિયા: MNC માટે તકો અને અપેક્ષા’ રિપોર્ટ અનુસાર મોટા ભાગની MNCને આશા છે કે આગામી 3-5 વર્ષમાં ભારતીય અર્થંતંત્રનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે. 96 ટકા ઉત્તરદાતાઓએ ભારતની ક્ષમતાને લઇને સકારાત્મક વલણ દર્શાવ્યું હતું. વિશ્વના મોટા ભાગના અર્થતંત્રો વૃદ્વિને લઇને પડકારોનો સામનો કરી રહ્યા છે.