દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટર હેનરિક ક્લાસેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે ODI અને T-20 રમવાનું ચાલુ રાખશે. ક્લાસેને દક્ષિણ આફ્રિકા માટે માત્ર ચાર ટેસ્ટ મેચ રમી છે. તેણે 2019માં રાંચીમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
હેનરિક આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર દક્ષિણ આફ્રિકાનો બીજો ક્રિકેટર છે. તેના પહેલા ડીન એલ્ગરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે તેની છેલ્લી ટેસ્ટ કેપટાઉનમાં 3 જાન્યુઆરીએ ભારત સામેની બીજી ટેસ્ટમાં રમી હતી.
સોશિયલ મીડિયા પર માહિતી આપી
હેનરિકે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટ કરીને લખ્યું, મેં લાલ બોલ (ટેસ્ટ) ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મને આ ફોર્મેટ ગમે છે. આમાંથી નિવૃત્તિ લેવી સરળ ન હતી. હું ઘણી રાતો સુધી સૂઈ શક્યો નહીં. ખૂબ વિચારણા કર્યા પછી મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેં મેદાનની અંદર અને બહાર ઘણી બાબતોનો સામનો કર્યો. ટેસ્ટ રમવું ખૂબ સારું હતું અને હું ખુશ છું કે હું દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો.