પાકિસ્તાની અાર્થિક હાલાત હાલ ખૂબ જ કંગાળ છે. તેવામાં ચીન, અારબ દેશો અને વિશ્વબેંકની સહાય થકી ગાડુ ગબડાવવામાં અાવી રહ્યું છે. અા બધાની વચ્ચે કચ્છની સામેપાર સિંધમાં પણ ચીને અનેક ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. જેમાં થરપારકર ખાતે અાવેલી કોલસાની ખાણમાં ચીની ભાગીદારી છે. જેના બીજા ફેઝનું તાજેતરમાં પાકિસ્તાના વડાપ્રધાને ઉદઘાટન કર્યું હોવાનું બહાર અાવ્યું છે. જે પ્રસંગે વડા પ્રધાન શેહબાઝ શરીફે અેટલે સુધી કહી દીધુ છે કે અા પ્રોજેક્ટમાંથી સસ્તી ઊર્જા ઉત્પાદન સમગ્ર દેશના વિકાસ માટે “ગેમ ચેન્જર” સાબિત થશે. જેમાં આ ખાણ સુધી રેલવે પહોંચાડવાની વાત પણ કરાઇ હતી.
કચ્છ બોર્ડરની સામેપાર થરપારકરના ઇસ્લામકોટ વિસ્તારમાં થાર કોલ માઈન્સ બ્લોક અાવેલી છે. જેનું સંચાલન ચીની અને સિંધની સરકારી કંપની કરે છે. અા પ્લાન્ટની વ્યાપારી કામગીરીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પાકિસ્તાના વર્તમાનની સાથે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી, સિંધના મુખ્ય પ્રધાન મુરાદ અલી શાહ, વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો, સરકારના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ચીની કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. આ પ્રસંગે વડા પ્રધાને થાર એનર્જી લિમિટેડના 330-મેગાવોટ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને ઇસ્લામકોટમાં ખાણ ફેઝ-II ના બાંધકામ સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.