ભારત અને ઈરાન વચ્ચે એક કરાર થયો છે. કરાર એવો છે કે ઈરાનનું ચાબહાર પોર્ટ, જે કંડલાથી માત્ર 550 નોટિકલ માઈલ, એટલે 1018 કિલોમીટર દૂર છે, એને ઓપરેટ કરવા ભારતે 10 વર્ષની લીઝ પર લીધું છે. આ ડીલથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે, પણ ભારતેય એનો જવાબ આપી દીધો છે.
ભારત-ઈરાન વચ્ચે ચાબહાર પાર્ટના જે કરાર થયા એ પછી અકળાયેલા અમેરિકાએ ભારતને ચીમકી આપી કે જે ઈરાન સાથે ડીલ કરશે તેની સામે પ્રતિબંધો લાગી શકે છે. અમેરિકાની આ ચીમકી સામે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાને જવાબ આપી દીધો કે અમેરિકાએ સંકુચિત માનસિકતા છોડવી જોઈએ. કોઈની સાડીબારી (ખાસ કરીને અમેરિકાની) રાખ્યા વિના ભારત પોતાનો મત મજબૂત રીતે રજૂ કરે છે. આ નવું ભારત છે.
સોમવારે 13 મેના રોજ ભારતે ઈરાનના ચાબહારમાં શાહિદ બહિશ્તી પોર્ટને 10 વર્ષ માટે લીઝ પર આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) અને ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (PMO) વચ્ચે થયો છે. કરાર માટે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને ભારતથી ઈરાન મોકલવામાં આવ્યા હતા. આ ડીલ હેઠળ ભારતનું IPGL 120 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ સિવાય 25 કરોડ ડોલરની લોન પણ આપશે. આ રીતે કુલ સમજૂતી 37 કરોડ ડોલરની થઈ ગઈ છે.
ચાબહાર પોર્ટ ભારત માટે ઈરાન અને અફઘાનિસ્તાન સુધી પહોંચવા માટે એક મહત્ત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. એનાથી પાકિસ્તાન બોર્ડર પર જવાની જરૂર નહીં રહે. ચાબહારમાં બે ટર્મિનલ છે. પહેલું- શાહિદ કલંતરી અને બીજું- શાહિદ બહિશ્તી. ભારત પહેલેથી જ ચાબહાર પોર્ટના શાહિદ બહિશ્તી ટર્મિનલનું કામકાજ સંભાળી રહ્યું હતું, પરંતુ એ ટૂંકા ગાળાનો કરાર હતો. એ કરારને વારંવાર રિન્યૂ કરવો પડતો હતો, પણ હવે 10 વર્ષ માટે લાંબા ગાળાનો કરાર કરવામાં આવ્યો છે. ચાબહાર પોર્ટના શાહિદ બહિશ્તી ટર્મિનલનું કામકાજ સંભાળવા માટે ભારત અને ઈરાન વચ્ચે છેલ્લે 2016માં કરાર કરવામાં આવ્યો હતો.