પહેલગામ હુમલા પછી વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને હવે ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિકને પાકિસ્તાનના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. જોકે આ નિમણૂક 29 એપ્રિલના રોજ થઈ હતી, પરંતુ 1 મેના રોજ સવારે 1:30 વાગ્યે મીડિયાને આ જાણકારી આપવામાં આવી હતી.
અગાઉ 30 એપ્રિલના રોજ, ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) નું પુનર્ગઠન કરી છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને તેના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે.
ભારત સરકારના નિર્ણય બાદ, હવે NSABમાં પણ 6 સભ્યો હશે. આમાં આર્મી, નેવી અને એરફોર્સના ભૂતપૂર્વ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભૂતપૂર્વ રાજદ્વારી અને ભૂતપૂર્વ IPS અધિકારીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. NSAB રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયને ઇનપુટ્સ પૂરા પાડશે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.