હજારો શરણાર્થીઓને સરહદથી દૂર રાખવાના અમેરિકાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. વેનેઝુએલા, નિકારાગુઆ, હોન્ડુરાસ અને ક્યુબા સહિતના ઘણા દેશોના લોકોનાં જૂથો મેક્સિકો થઈને અમેરિકા સરહદ તરફ આગળ વધી રહ્યાં છે. લગભગ 6 હજાર લોકોનો આ કાફલો આ વર્ષનો સૌથી મોટો સમૂહ છે. તેમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
આ પહેલાં માર્ચ 2022માં શરણાર્થીઓનો આટલો મોટો સમૂહ યુએસ બોર્ડર તરફ ગયો હતો. આ દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન શરણાર્થીઓના પ્રવેશને રોકવા માટે કડક પગલાં લેવાના મુદ્દે વાતચીત માટે મેક્સિકો પહોંચી ગયા છે. અમેરિકા બાઈડેન વહીવટીતંત્ર અને મેક્સિકન પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર શરણાર્થીઓના ધસારાને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
શરણાર્થીઓનું આ જૂથ નાતાલના આગલા દિવસે દક્ષિણ મેક્સિકોના તાપાચુલા શહેરમાં પહોંચ્યું છે. વેનેઝુએલા, ક્યુબા, નિકારાગુઆ, હોન્ડુરાસ સહિતના ઘણા દેશોમાંથી હજારો લોકો ગ્વાટેમાલા થઈને મેક્સિકોમાં પ્રવેશ્યા છે. છેલ્લા બે વર્ષમાં 20 લાખથી વધુ લોકોની ધરપકડ કરી છે.
છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અહીં રાહ જોઈને બેઠા છીએ : શરણાર્થી
આ જૂથમાં સામેલ ક્રિશ્ચિયન રિવેરાનો પરિવાર હોન્ડુરાસમાં છે. તેઓ કહે છે કે અમે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અહીં રાહ જોઈ રહ્યા છીએ, અમને કોઈ જવાબ નથી મળી રહ્યો. આશા છે કે માર્ચમાં થોડો ફેરફાર થશે અને અમને અમેરિકા જવાની પરવાનગી મળી જશે. મેમાં મેક્સિકન રાષ્ટ્રપતિ ઓમ્રાડારે વેનેઝુએલા, નિકારાગુઆ અને ક્યુબાના લોકો માટે રાહતની જાહેરાત કરી હતી જેમના માટે અમેરિકાએ આશ્રય પ્રક્રિયા શરૂ કરવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકન સરહદ પર શરણાર્થીઓના જમાવડાને કારણે અમેરિકન મતદારોમાં સરકાર પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે.