શહેરમાં નવા રિંગ રોડ પર વગડ ચોકડી પાસે બેકાબૂ વાહને એક્ટિવાને ઠોકરે લેતા ઘવાયેલા સોફ્ટવેર એન્જિનિયરનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધવાની તેમજ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટી રોડ પર વિમાનગર પાસેના ક્રાંતિવીર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મેહુલભાઇ કાન્તીભાઇ કાચા (ઉ.42) તા.30-6ના રોજ રાત્રીના તેનું એક્ટિવા લઇને ઘેર આવતા હતા ત્યારે નવા રિંગ રોડ પર વગડ ચોકડી પાસે અજાણ્યા વાહને ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તાલુકા પોલીસ મથકના જમાદાર ભગીરથસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.