દેશમાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે શેરડીના ઉત્પાદનમાં વધારો થવાથી ખાંડના ઉત્પાદનમાં વધારાના અહેવાલ મળી રહ્યાં છે. ઓક્ટોબરથી શરૂ થયેલી સિઝનમાં બે માસમાં ઉત્પાદન વધ્યું છે. દેશમાં આ સમયમાં ઉત્પાદન વધીને 47.9 લાખ ટન નોંધાયું હોવાનું ઉદ્યોગ સંગઠન ઇસ્માએ જણાવ્યું હતું.
વર્તમાન 2022-23 માર્કેટિંગ વર્ષમાં 30મી નવેમ્બર સુધી ખાંડનું ઉત્પાદન 47.9 લાખ ટન છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 47.2 લાખ ટન હતું. સુગર ફેક્ટરીઓમાં પીલાણ કામગીરી 416ની સામે 434થી વધુમાં થઇ રહી છે.
ઇસ્માના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 2022-23ના પ્રથમ બે મહિનામાં 20 લાખ ટન થયું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 20.3 લાખ ટન હતું. ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 10.4 લાખ ટનથી વધીને 11.2 લાખ ટન થયું છે. કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન 12.8 લાખ ટનથી ઘટીને 12.1 લાખ ટન થયું છે.