ગુજરાતભરમાં શુક્રવારે તાપમાનનો પારો ઊંચકાયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. સૌથી વધુ 44.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 44.4, અમદાવાદમાં 44.2 અને ગાંધીનગરમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જો કે, હવામાન વિભાગ દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હજુ 7થી 10 દિવસ ગરમીમાંથી રાહતની શક્યતા નહીં: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદને આગામી 7-10 દિવસ સુધી ગરમીથી કોઈ રાહત નહીં મળે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. જેને કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે અમદાવાદ શહેરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ગરમી માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ આગામી 5 દિવસ માટે યથાવત્ રહેશે.